Electric Vehical: દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વનું સૂચન કર્યું છે. જે અંતર્ગત પેટ્રોલ અને ડીઝલથી દોડતી લક્ઝરી કારોને તબક્કાવાર બંધ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.
એટર્ની જનરલ આર. વેંકટરમનીએ કોર્ટને જણાવ્યું કે, સરકાર પણ સર્વોચ્ચ અદાલતના વિચાર સાથે સહમત છે. આ પ્રોજેક્ટ સાથે 13 મંત્રાલય પણ સક્રિય રીતે સંકળાયેલા છે.
આ પણ વાંચો
હકીકતમાં જસ્ટિસ સૂર્યકાંચ અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેંચે સેન્ટર ફૉર પબ્લિક ઈન્ટરેન્સ્ટ લિટિગેશન (CPIL)ની જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા આ સૂચન કર્યું હતુ. આ અરજીમાં સરકારની ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી નીતિઓને અસરકાર રીતે લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
પહેલા મોંઘી ગાડીઓ પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત
જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, હવે બજારમાં ભારે અને હાઈલેવલના ઈલેક્ટ્રિક વાહનો પણ ઉપલબ્ધ છે. આથી શરૂઆત હાઈલેવલના પેટ્રોલ-ડીઝલથી દોડતા વાહનો પર પ્રતિબંધથી થઈ શકે છે.
અત્યારે ઈલેક્ટ્રિક વાહનોમાં પણ મોટા અને આરામદાયક મોડલો માર્કેટમાં આવી ગયા છે, તો પહેલા મોંઘા વાહનો પર પ્રતિબંધ કેમ ના મૂકી શકાય? આમ કરવાથી સામાન્ય નાગરિકને વધારે અસર નહીં થાય, કારણ કે આવી મોંઘી ગાડીઓ ખૂબ જ ઓછા લોકો જ ખરીદી શકે છે.
જ્યારે સીનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે પોતાની દલીલમાં જણાવ્યું કે, પહેલા ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઊંચી હતી. આથી સરકાર દ્વારા આવા વાહનોને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવવામાં આવી. હવે મુખ્ય પડકાર ચાર્જિગ સ્ટેશનોની કમીનો છે.
જેના જવાબમાં કોર્ટે જણાવ્યું કે, જેમ-જેમ રોડ પર ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે, તેમ-તેમ ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા પણ આપોઆપ વધી જશે. હાલના પેટ્રોલ પંપ પર પણ ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગની સુવિધા આપી શકાય છે.
