Flight Attendant Video: ઇન્ડિગોના સંકટ વચ્ચે એક હૃદયસ્પર્શી વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇન્ડિગો ફ્લાઇટ એટેન્ડન્ટ્સ ફ્લાઇટ વિલંબ દરમિયાન એક મુસાફરના નાના બાળક સાથે પ્રેમથી વર્તતા અને દિલાસો આપતા જોવા મળે છે.
આ વિડિયોને રશ્મિ ત્રિવેદી નામની પેસેન્જરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં એરલાઇન સ્ટાફ તેના નાના બાળક સાથે વાતચીત કરતા અને રમતા દેખાય છે.
નાની નાની બાબતોમાં ખુશી શોધવી મહત્વપૂર્ણ છે
સમગ્ર ભારતમાં ઇન્ડિગો ફ્લાઇટ રદ થવા અને વિલંબ થવાના અહેવાલો વચ્ચે મહિલાએ આ વિડિયો શેર કર્યો હતો, જેમાં મુશ્કેલ મુસાફરી દરમિયાન એરલાઇન ક્રૂના સકારાત્મક અને કરુણાપૂર્ણ વર્તનને ઉજાગર કરવામાં આવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા તેમણે લખ્યું- ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ, લેટ થઈ ગઈ અને શું શું ન થયું. પરંતુ સ્ટાફ હંમેશા એક સારો હોસ્ટ રહ્યો છે.મેં હંમેશા ઇન્ડિગો સાથે મુસાફરી કરી છે અને આ સમય દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. જોકે , સૌથી મહત્વની બાબત એ છે કે નાની વસ્તુઓમાં ખુશી શોધવી જરૂરી છે.
આ ઉપરાંત વિડિયોમાં એક ટેક્સ્ટ હતો જેમાં લખ્યું હતું કે- ફ્લાઇટ મોડી પડી છે, આ દરમિયાન મારું નાનું બાળક સ્ટાફ સાથે મજા કરી રહ્યું છે.
ઘણા લોકોએ વિડિયો શેર કર્યો
આ વિડીયો વ્યાપકપણે શેર કરવામાં આવ્યો છે અને તેને ઓનલાઈન ઘણી સકારાત્મક ટિપ્પણીઓ મળી છે જેમાં ઘણા યુઝર્સે ક્રૂના હૃદયસ્પર્શી અને દયાળુ કાર્યની પ્રશંસા કરી છે.
આ વિડિયો એવા સમયે આવ્યો છે જ્યારે ઇન્ડિગોની ઓપરેશનલ સમસ્યાઓ સતત સાતમા દિવસે પણ ચાલુ રહી હતી, જેની અસર દેશભરમાં જોવા મળી હતી. સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી પરિણામે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા અથવા તેમની મુસાફરી યોજનાઓ બદલવાની ફરજ પડી હતી.
આ વિક્ષેપથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર અસર પડી છે જેના કારણે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મુખ્ય એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ છે.
