Personal Finance Tips: હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) કોલકાતામાંથી ગ્રેજ્યુએટ થયેલી અવની રાઠોડની રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
હકીકતમાં ઉચ્ચ અભ્યાસ માટે લેવામાં આવેલી એજ્યુકેશન લૉન વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે વર્ષો સુધી આર્થિક બોજો બની જતી હોય છે, પરંતુ અવની રાઠોડે એક પડકાર તરીકે ઝીલ્યો. પોતાના વીડિયોમાં અવનીએ ખુલાસો કર્યો છે કે, તેણે કેવી રીતે માત્ર 24 મહિનાની અંદર પોતાની 30 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન ભરપાઈ કરી દીધી.
અવની રાઠોડે જણાવ્યું કે, મેં IIM કોલકાતામાં MBA કરવા માટે લીધેલી રૂ. 30 લાખની એજ્યુકેશન લોન માત્ર બે વર્ષમાં જ ચૂકવી દીધી હતી. આ માટે મેં મારી આવકનો ચાર રીતે ઉપયોગ કર્યો હતો.
અવનીનો લોન ભરપાઈ કરવાનો 4 સુત્રીય માસ્ટરપ્લાન
ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં અવનીએ લોન ભરપાઈ કરવા માટેની રણનીતિ શેર કરતાં જણાવ્યું કે, MBA કરતા પહેલા મેં બે વર્ષ સુધી જૉબ કરી હતી. મેં મારી ફી તેમજ પ્રાથમિક ખર્ચાઓ માટે લિક્વિડ સેવિંગ્સનો જ ઉપયોગ કર્યો, જેથી લોનની રકમને ઓછામાં ઓછી રાખી શકાય.
ખાસ વાત એ છે કે, મેં મારા મ્યુચ્યુઅલ ફંડ અને PPFમાં કરેલી રોકાણની રકમને હાથ પણ નથી લગાવ્યો. MBA કરવા દરમિયાન મેં એક સમર ઈન્ટર્નશિપ કરી હતી, જેનાથી મને સારું એવું પેમેન્ટ પ્રાપ્ત થયું હતુ. આ રકમનો ઉપયોગ પણ મેં લોનના ભારણને ઓછો કરવા માટે કરી દીધો.
બીજા વર્ષે પ્રી-પ્લેસમેન્ટ ઑફર (PPO) મળતા અવની અટકી નહી. અવનીએ અભ્યાસની સાથે-સાથે પાર્ટ ટાઈમ જૉબ કરવાનું શરૂ કરી દીધુ. આ જોબ થકી મળતી વધારાની આવક ડાયરેક્ટ તેની ફીસ ભરવાના ઉપયોગમાં લીધી.
એકવાર MBA પૂર્ણ કર્યાં બાદ મને જ્યારે ફૂલ ટાઈમ જૉબ મળી ગઈ, તો મેં બિનજરૂરી ખર્ચા કરવાની જગ્યાએ મારા પગારનો મોટો હિસ્સો લોન ચૂકવવામાં વાપરી દીધો.
વધુમાં અવનીએ જણાવ્યું કે, સદ્દનસીબે મારા પર કોઈ મોટી જવાબદારી નહતી. આથી ગ્રેજ્યુએશન બાદ હું મારા પગારનો એક મોટો ભાગ લોન ચૂકવવામાં વાપરી શકી. જો તમે પણ લોન ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા હોય, તો એક વાત અચૂક યાદ રાખજો કે, આ એક મેરાથોન છે. તમારા નાના-નાના પ્રયત્નો જ કોઈ મોટું પરિણામ આપી શકે છે.
અવનીના નિર્ણય પર સોશિયલ મીડિયામાં સવાલ ઉઠ્યા
અવનીના આ પગલાએ સોશિયલ મીડિયામાં એક નવી ચર્ચા છેડી છે. ઘણા લોકો તેને આર્થિક દ્રષ્ટિએ ખોટું પગલું ગણાવી રહ્યા છે, કારણ કે એજ્યુકેશન લોન પર ટેક્સની છૂટ મળે છે, તેમજ તેના પર વ્યાજનો દર પણ ખૂબ જ ઓછો હોય છે.
જો કે સવાલ ઉઠાવનારાને અવનીએ જવાબ આપતા જણાવ્યું કે, ઘણાં લોકો મારી આ રણનીતિ અને નિર્ણય સાથે સહમત ના હોય, પરંતુ હું લોનનો ભાર લઈને જીવવા નહતી માંગતી. તેમજ હું વધારે નોકરી પણ કરવા નહતી માંગતી. મારે મારું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે રિસ્ક લેવું જ હતુ. હું નહતી ઈચ્છતી કે, બીજી કોઈ લોનનું ભારણ મને રિસ્ક લેતા રોકે કે પછી મને ફરીથી નોકરી કરવા માટે મજબૂર કરે.
માનસિક શાંતિ માટે આ ખૂબ જ આવશ્યક હતુ. આમ પણ મારા ઉપર કોઈ નિર્ભર ના હોવાથી, હું મારી કમાણીનો મોટો હિસ્સો ઝડપથી લોન ચૂકવવા માટે ફાળવી શકી.
