Akha Teej 2026 Date: હિન્દુ ધર્મમાં સાડા ત્રણ મુહૂર્ત પૈકીનું એક અને અત્યંત પવિત્ર ગણાતો તહેવાર એટલે અખાત્રીજ. લોકોને વર્ષ 2026 માં આ પર્વ ક્યારે આવશે તે જાણવાની ઉત્સુકતા છે. વર્ષ 2026 માં અક્ષય તૃતીયાની તારીખ અને સોના-ચાંદીની ખરીદી માટેના શુભ મુહૂર્તની વિગતો અહીં મેળવો.
વર્ષ 2026 માં અખાત્રીજ ક્યારે છે?
હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા અથવા 'અખા તીજ' ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026 માં આ પવિત્ર તહેવાર 19 એપ્રિલ, રવિવારના રોજ આવશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો અક્ષય તૃતીયા બુધવારે અને રોહિણી નક્ષત્રમાં આવે તો તેને વધુ શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે, પરંતુ રવિવાર હોવા છતાં આ દિવસનું મહત્વ અકબંધ રહેશે.
સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત
અખાત્રીજના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને લક્ષ્મીજીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026 માં સોના-ચાંદીની ખરીદી માટેનું શુભ મુહૂર્ત નીચે મુજબ રહેશે:
આ પણ વાંચો
- શરૂઆત: 19 એપ્રિલ, 2026 ના રોજ સવારે 10:49 વાગ્યે
- સમાપ્તિ: 20 એપ્રિલ, 2026 ના રોજ સવારે 05:51 વાગ્યે
આમ, ભક્તો અને ખરીદદારોને ખરીદી માટે લગભગ આખો દિવસ મળી રહેશે, જે અત્યંત સાનુકૂળ છે.
પર્વનું ધાર્મિક મહત્વ અને ઇતિહાસ
સંસ્કૃતમાં 'અક્ષય' નો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય (નાશ) થતો નથી. તેથી એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા દાન, પુણ્ય, જપ અને ખરીદીનું ફળ અક્ષય રહે છે અને તેમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે પિતૃ તર્પણ અને દાનનું પણ વિશેષ મહત્વ છે.
પૌરાણિક કથાઓ અનુસાર, અક્ષય તૃતીયા સાથે અનેક ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે:
- આ દિવસથી ત્રેતાયુગનો આરંભ થયો હોવાનું મનાય છે.
- ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામનો જન્મ આ તિથિએ થયો હતો.
- ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મિત્ર સુદામાનું મિલન પણ આ દિવસે થયું હતું.
- મહાભારતના ભીષણ યુદ્ધનો અંત પણ અક્ષય તૃતીયાના દિવસે આવ્યો હોવાની માન્યતા છે.
