Akshaya Tritiya 2026 Date: હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતો તહેવાર એટલે અક્ષય તૃતીયા. જેને સામાન્ય બોલચાલમાં 'અખાત્રીજ' કે 'અક્તિ' તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસને 'વણજોયું મુહૂર્ત' માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. વર્ષ 2026 માં અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2026) ક્યારે છે અને સોનું ખરીદવા માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે, તે અંગે અહીં વિગતવાર જાણો.
અક્ષય તૃતીયા 2026 ની તારીખ અને સમય
વિક્રમ સંવત અને દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 19 એપ્રિલ, 2026 ના રોજ રવિવારે ઉજવવામાં આવશે.
- તિથિનો પ્રારંભ: 19 એપ્રિલ, સવારે 10:49 વાગ્યે
- તિથિની પૂર્ણાહુતિ: 20 એપ્રિલ, સવારે 07:27 વાગ્યે
પૂજા માટેનું શુભ મુહૂર્ત
આ દિવસે પૂજા-અર્ચના કરવાનો વિશેષ મહિમા છે. 19 એપ્રિલના રોજ પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 10:49 થી બપોરે 12:20 વાગ્યા સુધી રહશે. કુલ સમયગાળો 1 કલાક અને 32 મિનિટનો રહેશે.
સોનું ખરીદવાનું મહત્વ અને મુહૂર્ત
અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 'અક્ષય' નો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય ન થાય. માન્યતા છે કે આ દિવસે ખરીદેલું સોનું અને કરવામાં આવેલું રોકાણ ઘરમાં અખૂટ ભંડાર અને માતા લક્ષ્મીની કૃપા લાવે છે. માત્ર સોનું જ નહીં, પરંતુ જમીન, મકાન, વાહન કે અન્ય કિંમતી વસ્તુઓની ખરીદી માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે.
પંચાંગ મુજબ, સોનું ખરીદવા માટેનો એકંદર શુભ સમય 19 એપ્રિલના રોજ સવારે 10:49 થી 20 એપ્રિલના રોજ સવારે 05:51 સુધી રહેશે. જોકે, શ્રેષ્ઠ પરિણામો માટે નીચે મુજબના ચોક્કસ ચોઘડિયામાં ખરીદી કરી શકાય છે:
- સવારનું મુહૂર્ત: સવારે 10:49 થી 12:20 સુધી
- બપોરનું મુહૂર્ત: બપોરે 01:58 થી 03:35 સુધી
- સાંજનું મુહૂર્ત: સાંજે 06:49 થી 10:57 સુધી
- રાત્રિનું મુહૂર્ત: 20 એપ્રિલ, સવારે 01:43 થી 03:05 સુધી
- વહેલી સવારનું મુહૂર્ત: 20 એપ્રિલ, સવારે 04:28 થી 05:51 સુધી
