Abhishek Sharma: 8 માર્ચના રોજ ભારતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને 2026 T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો ત્યારે આખી દુનિયાએ અભિષેક શર્માની આક્રમક બેટિંગના વખાણ કર્યા હતા. પરંતુ આ યાદગાર ઇનિંગ પહેલાનો સમય અભિષેક અને તેના પરિવાર માટે માનસિક કસોટી સમાન હતો. આખા વર્લ્ડ કપ દરમિયાન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા અભિષેક માટે તેના પિતાએ એવા પગલાં લીધા જે તેમણે અગાઉ ક્યારેય કર્યા નહોતા.
ફાઇનલ પહેલા બેટ રહ્યું હતું શાંત
અભિષેક શર્મા માટે 2026નો વર્લ્ડ કપ મિશ્ર લાગણીઓ લઈને આવ્યો હતો. ટુર્નામેન્ટના મોટાભાગના તબક્કે તે નિષ્ફળ રહ્યો હતો. જેમા તે, પાકિસ્તાન અને અમેરિકા સામે તે સસ્તામાં આઉટ થયો હતો. તેમજ વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ જેવી હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલમાં પણ તેનું બેટ ચાલ્યું નહોતું. સમગ્ર ગ્રુપ સ્ટેજમાં માત્ર ઝિમ્બાબ્વે સામે તેણે અડધી સદી ફટકારી હતી, પરંતુ નામિબિયા સામે ફરી તે નિષ્ફળ રહ્યો હતો.
પિતાની આસ્થા અને મનોબળ
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં વાત કરતા અભિષેકે ખુલાસો કર્યો કે, જ્યારે તે રન બનાવી શકતો નહોતો, ત્યારે તેના પિતા અંદરથી ખૂબ જ દુઃખી હતા. અભિષેકે કહ્યું, "મારા પિતા ભલે અત્યારે કહે કે તેમને ચિંતા નહોતી, પણ હકીકત એ છે કે તેઓ ખૂબ જ ચિંતિત હતા. તેમણે મારા ફોર્મ માટે વિશેષ પૂજા-પાઠ અને ધાર્મિક વિધિઓ કરી હતી - એવી વસ્તુઓ જે તેમણે મારા કરિયરમાં પહેલા ક્યારેય કરી નહોતી." તેણે વધુમાં ઉમેર્યું કે, તેના પિતા તેને દરેક મેચમાં પ્રોત્સાહિત કરવા આવતા હતા અને તેનું મન શાંત રહે તે માટે તેને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતા હતા, જેથી તે ક્રિકેટના દબાણથી મુક્ત રહી શકે.
ફાઇનલમાં ‘પાવર-પેક્ડ’ પ્રદર્શન
પિતાની પ્રાર્થના અને પોતાની સખત મહેનતનું પરિણામ ફાઇનલમાં જોવા મળ્યું. ન્યુઝીલેન્ડ સામેના મોટા મુકાબલામાં અભિષેકે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને કીવી બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. આ તોફાની શરૂઆતને કારણે જ ભારત મોટો સ્કોર બનાવી શક્યું અને અંતે ચેમ્પિયન બન્યું.
આગામી લક્ષ્ય: ત્રણેય ફોર્મેટમાં સ્થાન
વર્લ્ડ કપની સફળતા બાદ અભિષેકની નજર હવે ટેસ્ટ અને વનડે ટીમ પર છે. તેણે કહ્યું, "મારું અંતિમ લક્ષ્ય ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમવાનું છે. જોકે, હું હવે પસંદગી વિશે વધુ વિચારતો નથી, કારણ કે મારું કામ મેદાન પર પ્રદર્શન કરવાનું છે અને તે જ મારા હાથમાં છે."
અભિષેક શર્માની વાર્તા દર્શાવે છે કે સફળતાની પાછળ માત્ર ખેલાડીની જ નહીં, પણ તેના પરિવારની આસ્થા અને સમર્થનનો પણ મોટો હાથ હોય છે. પિતાની પ્રાર્થના અને પુત્રના પરાક્રમે ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
