DC vs GT IPL 2026: દિલ્હી સામે ગુજરાત જીત્યું પરંતુ શુભમન ગિલને ફટકારાયો 12 લાખનો દંડ, જાણો કારણ

મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 13 રનની જરૂર હતી. દિલ્હીના બેટ્સમેન ડેવિડ મિલરે એક રન લેવાની ના પાડીને મોટી ભૂલ કરી હતી, જે ટીમને ભારે પડી હતી.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 09 Apr 2026 11:53 AM (IST)Updated: Thu 09 Apr 2026 11:53 AM (IST)
dc-vs-gt-ipl-2026-highlights-gujarat-titans-captain-shubman-gill-fined-rs-12-lakh-for-slow-over-rate-against-delhi-capitals-724541
HIGHLIGHTS
  • પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 210/4 રન બનાવ્યા હતા.
  • જવાબમાં દિલ્હી કેપિટલ્સ 209/8 રન બનાવી શકી.

Shubman Gill Fined, DC vs GT IPL 2026: આઈપીએલ 2026 માં બુધવાર, 8 એપ્રિલના રોજ રમાયેલી દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ગુજરાતની ટીમે ભલે 1 રનથી રોમાંચક જીત મેળવી હોય, પરંતુ ટીમના કેપ્ટન શુભમન ગિલ માટે આ જીત મોંઘી સાબિત થઈ છે. બીસીસીઆઈ દ્વારા સ્લો ઓવર રેટ માટે ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.

શા માટે થઈ કાર્યવાહી?

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતના બોલરો નિર્ધારિત સમયમાં પોતાની ઓવરો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આઈપીએલની આચાર સંહિતાના આર્ટિકલ 2.22 હેઠળ, આ સીઝનમાં ગુજરાતની ટીમનો આ પહેલો ગુનો હોવાથી કેપ્ટન ગિલ પર લઘુત્તમ 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ, જો ટીમ આ ભૂલ બીજી કે ત્રીજી વાર દોહરાવે છે, તો દંડની રકમ વધવા સાથે કેપ્ટન પર એક મેચના પ્રતિબંધનો ખતરો પણ રહે છે.

મેચનો રોમાંચ અને સ્કોરકાર્ડ:

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 210 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેમાં કેપ્ટન શુભમન ગિલ, જોસ બટલર અને વોશિંગ્ટન સુંદરના અડધી સદીના યોગદાન સામેલ હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવી શકી હતી અને માત્ર 1 રનથી મેચ હારી ગઈ હતી. આ ગુજરાતની આ સીઝનની પ્રથમ જીત છે.

છેલ્લી ઓવરનું ડ્રામા:

મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 13 રનની જરૂર હતી. દિલ્હીના બેટ્સમેન ડેવિડ મિલરે એક રન લેવાની ના પાડીને મોટી ભૂલ કરી હતી, જે ટીમને ભારે પડી હતી. બીજી તરફ, ગુજરાતના બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. દિલ્હીની ટીમ આઈપીએલ ઈતિહાસમાં ચોથીવાર માત્ર 1 રનના અંતરથી મેચ હારી છે, જે એક અનિચ્છનીય રેકોર્ડ છે.

અન્ય ખેલાડીઓ પર પણ એક્શન:

નોંધનીય છે કે આ સીઝનમાં માત્ર શુભમન ગિલ જ નહીં, પરંતુ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર પણ સ્લો ઓવર રેટ માટે બે વખત દંડ ફટકારવામાં આવ્યો છે. અય્યર પર બીજી વખતની ભૂલ માટે 24 લાખ રૂપિયાનો દંડ થયો હતો. આ સિવાય હૈદરાબાદના અભિષેક શર્મા પર પણ અશોભનીય ભાષાના ઉપયોગ બદલ મેચ ફીના 25 ટકા દંડ કરવામાં આવ્યો હતો.