IND vs IRE Match Preview: શ્રેયસની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાનો નવો અધ્યાય, 2 ખેલાડીનું ડેબ્યુ નક્કી! જાણો પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20I મેચ બેલફાસ્ટમાં રમાશે, જેમાં વૈભવ સૂર્યવંશીના ડેબ્યુ અને હવામાન પર સૌની નજર રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 26 Jun 2026 12:14 PM (IST)Updated: Fri, 26 Jun 2026 12:23 PM (IST)
ind-vs-ire-1st-t20i-match-preview-pitch-report-weather-forecast-and-india-vs-ireland-predicted-playing-11

IND vs IRE Match Preview, 1st T20I: ભારત અને આયર્લેન્ડ વચ્ચે શુક્રવારે બે T20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ મેચમાં ચાહકો અને રમતગમત જગતની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યુ, શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ અને બેલફાસ્ટના હવામાન પર રહેશે.

IND vs IRE: વૈભવ સૂર્યવંશીને ડેબ્યુની તક મળશે?

આ મેચમાં સૌથી મોટો સવાલ એ છે કે શું યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ કરવાની તક મળશે કે કેમ. નેટ સેશનમાં તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી અને આક્રમક શોર્ટ્સ ફટકાર્યા હતા. જોકે, કોચ સિતાંશુ કોટકના જણાવ્યા અનુસાર, કોઈ નવા ખેલાડીને તક આપવા માટે પહેલેથી જ રન બનાવી રહેલા ખેલાડીને બહાર બેસાડવો યોગ્ય નથી.

જો વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે, તો કેપ્ટન શ્રેયસ અય્યર માટે એ મોટો માથાનો દુખાવો બનશે કે કોને ડ્રોપ કરવો. હાલમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી સારું પ્રદર્શન કરી રહી છે. હવે, જો વૈભવ ઓપનિંગમાં આવે તો સંજુ સેમસનનું સ્થાન બદલાઈ શકે અથવા શિવમ દુબેનું પત્તુ કપાઈ શકે છે.

શ્રેયસ અય્યરના નેતૃત્વમાં નવા અધ્યાયની શરૂઆત

પસંદગીકારોએ સૂર્યકુમાર યાદવની જગ્યાએ હવે T20 ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપી છે. IPLમાં શ્રેયસ અય્યર એક સફળ કેપ્ટન સાબિત થયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કેપ્ટનશિપ જોવી રસપ્રદ રહેશે. આ ઉપરાંત, 2024માં કોલકાતાને ખિતાબ જીતાડ્યા બાદ શ્રેયસ અય્યર અને કોચ ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ હવે બંને વચ્ચે કેવું સમીકરણ રહેશે તે પણ જોવાનું રહેશે.

IND vs IRE Weather: વરસાદ બનશે વિલન?

બેલફાસ્ટનું હવામાન સતત બદલાઈ રહ્યું છે અને મેચમાં વરસાદ ખલેલ પાડી શકે છે. BBC વેધર ફોરકાસ્ટ અનુસાર, બપોરથી સાંજ સુધી હળવો વરસાદ થવાની અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. મેચ દરમિયાન 30 થી 43 ટકા સુધી વરસાદની આગાહી છે અને તાપમાન 22 થી 23 ડિગ્રી રહેશે.

IND vs IRE Pitch Report: બેલફાસ્ટથી પિચ રિપોર્ટ

ઓવરકાસ્ટ કન્ડિશનને કારણે ફાસ્ટ બોલરોને બેલફાસ્ટની આ પિચ પરથી મદદ મળી શકે છે. ભારતીય ટીમ આ મેદાન પર પહેલીવાર T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. જોકે, છેલ્લે 2007માં અહીં વનડે મેચ રમાઈ હતી, જેમાં હાલના કોચ ગૌતમ ગંભીરે અણનમ 80 રન ફટકાર્યા હતા.

IND vs IRE Match Time: મેચના સમયમાં થયો ફેરફાર

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હવે તે એક કલાક વહેલા એટલે કે સાંજે 6 વાગ્યે શરૂ થશે. મેચ માટે ટોસ સાંજે 5:30 કલાકે થશે. 

IND vs IRE Live Streaming: મેચ ક્યાં જોઈ શકાશે?

  • ટીવી બ્રોડકાસ્ટ: ભારતમાં આ મેચનું લાઈવ પ્રસારણ 'સોની સ્પોર્ટ્સ નેટવર્ક' (Sony Sports Network) પર થશે.
  • લાઇવ સ્ટ્રીમિંગ: ડિજિટલ પ્લેટફોર્મ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ 'જિયોહોટસ્ટાર' (JioHotstar) એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

IND vs IRE 1st T20I Playing XI: સંભવિત પ્લેઈંગ  11

  • ભારતની સંભવિત ટીમ: અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
  • આયર્લેન્ડની સંભવિત ટીમ:ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોરકન ટકર (કેપ્ટન/વિકેટકીપર), જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, બેન્જામિન કેલિટ્ઝ, લિયામ મેકાર્થી, રૂબેન વિલ્સન, મેથ્યુ હોલાર્ડ, જય મૂંદ્રા.