IND vs SA 1st T20: ઓડિશાના કટકમાં આવેલા બારાબતી સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવીને 5 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની અડધી સદી (59*) ઉપરાંત સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો, જેણે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી.
બુમરાહનું શાનદાર પ્રદર્શન અને વિકેટની સદી
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ મેચમાં 3 ઓવર ફેંકી હતી અને માત્ર 17 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. જોકે, બુમરાહને તેની શરૂઆતની બે ઓવરમાં કોઈ સફળતા મળી ન હતી. ડ્રિંક્સ બ્રેક બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરીથી બુમરાહ પર વિશ્વાસ મૂક્યો હતો અને તેણે નિરાશ કર્યા વિના બીજા જ બોલે ડેવાલ્ડ બ્રેવિસ (22) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે 11મી ઓવરના પાંચમા બોલ પર કેશવ મહારાજ (0) ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
આ બે વિકેટ સાથે જ જસપ્રીત બુમરાહે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી લીધી છે. આ સાથે તે ટેસ્ટ, વન-ડે અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. વિશ્વ સ્તરે આ સિદ્ધિ મેળવનાર તે પાંચમો બોલર બન્યો છે.
ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનારા વિશ્વના બોલરો
- લસિથ મલિંગા (શ્રીલંકા)
- ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ)
- શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)
- શાહીન શાહ આફ્રિદી (પાકિસ્તાન)
- જસપ્રીત બુમરાહ (ભારત)
💯 and counting! 😎
— BCCI (@BCCI) December 9, 2025
Congratulations to Jasprit Bumrah on completing 1⃣0⃣0⃣ T20I wickets ⚡️⚡️#TeamIndia just one wicket away from victory!
Updates ▶️ https://t.co/tiemfwcNPh#INDvSA | @IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/9BwAd1UTdu
બુમરાહની કારકિર્દીના આંકડા
જસપ્રીત બુમરાહના આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી 52 ટેસ્ટ મેચની 99 ઇનિંગ્સમાં 19.79 ની સરેરાશથી 234 વિકેટ ઝડપી છે. વન-ડે ક્રિકેટમાં તેણે 89 મેચમાં 149 વિકેટ લીધી છે, જ્યારે હવે 81 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેના નામે 101 વિકેટ થઈ ગઈ છે.
T20I માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો
- અર્શદીપ સિંહ: 107 વિકેટ
- જસપ્રીત બુમરાહ: 101 વિકેટ
- હાર્દિક પંડ્યા: 99 વિકેટ
- યુઝવેન્દ્ર ચહલ: 96 વિકેટ
- ભુવનેશ્વર કુમાર: 90 વિકેટ
