CSK vs KKR, IPL 2026: IPL 2026ની સીઝનમાં ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મેદાન પર સતત હારનો સામનો કરી રહેલી આ ટીમને હવે મેદાનની બહાર પણ મોટો ફટકો પડ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં કારમી હાર બાદ, KKRના કેપ્ટન અજિંક્ય રહાણે પર સ્લો ઓવર રેટ જાળવવા બદલ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અજિંક્ય રહાણેની મુશ્કેલીમાં વધારો થયો
મંગળવારે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાની ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવરનો ક્વોટા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી. BCCIએ આ મામલે કડક વલણ અપનાવતા રહાણેને દોષિત ઠેરવ્યો છે. IPL આચારસંહિતાની કલમ 2.22 ના ઉલ્લંઘન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ સીઝનમાં KKRનો આ પહેલો ગુનો હોવાથી રહાણે પર માત્ર નાણાકીય દંડ લગાવાયો છે, પરંતુ જો આ ભૂલનું પુનરાવર્તન થશે તો દંડની રકમમાં વધારો થઈ શકે છે.
નોંધનીય છે કે રહાણે આ સીઝનનો ચોથો એવો કેપ્ટન છે જેને સ્લો ઓવર રેટ માટે દંડ થયો હોય. આ પહેલા પંજાબ કિંગ્સના શ્રેયસ ઐયર (2 વાર), ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ અને મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા પણ આ શિસ્તભંગનો સામનો કરી ચૂક્યા છે.
પોઈન્ટ ટેબલમાં KKR મોટું નુકસાન થયું
ચેન્નાઈ સામેની 32 રને હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ હવે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા સ્થાને સરકી ગઈ છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ હોવા છતાં અત્યાર સુધી રમાયેલી ચારેય મેચમાં ટીમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
KKR સામે CSK ની જીત થઇ
મેચની વાત કરીએ તો, ડબલ પેસવાળી પીચ પર CSK એ 20 ઓવરમાં 192/5 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં ચેન્નાઈએ 72 રન ઝૂડી કાઢ્યા હતા. જવાબમાં KKR ની ટીમ માત્ર 160/7 રન જ બનાવી શકી હતી. મુખ્ય કોચ અભિષેક નાયરની રણનીતિ અને અજિંક્ય રહાણેની જૂની વિચારધારા ધરાવતી કેપ્ટનસી અત્યારે ટીકાકારોના નિશાના પર છે. ફેન્સ હવે એ વાતની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ટીમ આ હારના સિલસિલાને તોડશે.
