IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી આગામી T20 શ્રેણી પહેલાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ભારતના 15 વર્ષીય યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સિકંદર રઝાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ફેન્સને અપીલ કરી છે કે માત્ર બે કે ત્રણ મેચમાં ફ્લોપ થયા બાદ 15 વર્ષના આ યુવા ખેલાડીની ટીકા કરવી યોગ્ય નથી.
15 વર્ષનો છોકરો ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે તે મોટી વાત
ઝિમ્બાબ્વે શ્રેણી પહેલાં સ્પોર્ટ્સ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં સિકંદર રઝાએ વૈભવ સૂર્યવંશીની ક્ષમતાના વખાણ કરતાં કહ્યું હતું કે- વૈભવ ખૂબ જ અસાધારણ અને પ્રતિભાશાળી ખેલાડી છે. જો 15 વર્ષનો કોઈ છોકરો આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય, તો બે કે ત્રણ મેચમાં સસ્તામાં આઉટ થઈ જવા પર તેની ટીકા ન થવી જોઈએ.
BCCIને આપી ખાસ સલાહ
સિકંદર રઝાએ BCCI અને ભારતીય ટીમ મેનેજમેન્ટને સલાહ આપતાં ઉમેર્યું હતું કે- મને લાગે છે કે વૈભવની આસપાસ અત્યારે ઘણા અનુભવી અને શ્રેષ્ઠ સિનિયર ક્રિકેટરો છે. જો તેને પ્રોપર પ્રોટેક્શન અને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે, તો તે આગામી સમયમાં ભારતીય ક્રિકેટ માટે એક જેનરેશનલ ટેલેન્ટ સાબિત થઈ શકે છે.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં રહ્યાં હતાં નબળા આંકડા
ઉલ્લેખનીય છે કે, IPL 2026માં શાનદાર પ્રદર્શન બાદ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દ્વારા ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જોકે, શરૂઆતની મેચોમાં તે 14, 13 અને 15 રન જ બનાવી શક્યો હતો અને પાંચમી મેચમાં તેને પ્લેઇંગ-11માંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે ઝિમ્બાબ્વે સામેની આગામી T20 શ્રેણીમાં તેની પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
ભારત-ઝિમ્બાબ્વે શ્રેણી એકતરફી નહીં રહે: રઝા
આગામી T20 શ્રેણી અંગે વાત કરતા સિકંદર રઝાએ દાવો કર્યો હતો કે હાલમાં ભારત અને ઝિમ્બાબ્વે બંને ટીમો બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેથી બંને ટીમો પાસે શ્રેણી જીતવાની સરખી તકો રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ શ્રેણી એકતરફી નહીં રહે પરંતુ ખૂબ જ રોમાંચક બનશે.
