Indian Cricket Chief Selector: અજિત અગરકરની ખુરશી જોખમમાં: ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા આ દિગ્ગજ ખેલાડી બની શકે છે નવા ચીફ સિલેક્ટર!

જુલાઈ 2023 માં પદ સંભાળ્યા બાદ અગરકરના નેતૃત્વ હેઠળ ભારતે ત્રણ ICC ટાઇટલ - બે T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી - જીત્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 05 Aug 2026 10:34 AM (IST)Updated: Wed, 05 Aug 2026 10:34 AM (IST)
vvs-laxman-likely-to-replace-ajit-agarkar-as-bcci-chief-selector
અજિત અગરકર

Indian Cricket Chief Selector: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે ત્યારે તેમના ભવિષ્યને લઈને સવાલો ઊભા થયા છે. સપ્ટેમ્બર 2026 સુધીનો કાર્યકાળ ધરાવતા અગરકરને 2027ના ODI વર્લ્ડ કપ સુધી લંબાવવાની ચર્ચા હતી, પરંતુ તાજેતરના કેટલાક વિવાદો અને ટીમ ઈન્ડિયાના પ્રદર્શને પરિસ્થિતિ જટિલ બનાવી દીધી છે. હવે આ રેસમાં 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ના વડા VVS લક્ષ્મણનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

પસંદગીકારો વચ્ચેનો તણાવ

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સામે આવેલા અહેવાલોમાં દાવો કરાયો હતો કે કેપ્ટન રોહિત શર્માની કારકિર્દી હવે અંતિમ તબક્કામાં છે અને પસંદગીકારો 2027 વર્લ્ડ કપમાં રોહિતના રમવાના વિચારનો વિરોધ કરી રહ્યા છે. 16 જુલાઈએ બીજી ODIમાં રોહિત આઉટ થયા બાદ તેની છેલ્લી મેચ હોવાની વાતો વહેતી થઈ હતી.

જોકે, સોશિયલ મીડિયા પર ચાહકોના ભારે વિરોધ બાદ BCCI સચિવ દેવજીત સૈકિયાએ અગરકર કે પસંદગી સમિતિની સલાહ લીધા વિના જ સ્પષ્ટતા કરી કે રોહિત યોજનાનો ભાગ રહેશે ત્યાં સુધી રમશે. આ પછી રોહિતે 138 રનની શાનદાર સદી પણ ફટકારી હતી. આ આખી ઘટનાથી પસંદગીકારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે.

અગરકરનું ટ્રેક રેકોર્ડ અને લક્ષ્મણની દાવેદારી

જુલાઈ 2023 માં પદ સંભાળ્યા બાદ અગરકરના નેતૃત્વ હેઠળ ભારતે ત્રણ ICC ટાઇટલ - બે T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી - જીત્યા છે. તેમ છતાં તાજેતરની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ ટૂરમાં 10 માંથી 8 મેચોમાં મળેલી હાર અને પસંદગીના નિર્ણયો પર સવાલો ઊભા થયા છે.

બીજી તરફ, VVS લક્ષ્મણ હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ક્રિકેટના વડા છે. તેઓ અંડર-19 ટીમ, કોચિંગ સ્ટ્રક્ચર અને યંગ પ્લેયર્સના ડેવલપમેન્ટ પ્રોગ્રામની દેખરેખ રાખે છે. BCCI અધિકારીઓ માને છે કે લક્ષ્મણ પાસે વ્યાપક અનુભવ છે અને રોહિત તથા વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ તેમના સૂચનોને વધુ માન આપશે.

સપ્ટેમ્બરમાં યોજાનારી AGM માં લેવાશે આખરી નિર્ણય

અગરકરનો કાર્યકાળ લંબાવવો કે લક્ષ્મણને નવું પદ સોંપવું તેનો આખરી નિર્ણય સપ્ટેમ્બરમાં યોજાનારી BCCI ની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાશે. ઘણું બધું શ્રીલંકા સામેની આગામી બે ટેસ્ટ શ્રેણીના પરિણામો પર નિર્ભર રહેશે. જો ભારત આ સિરીઝ જીતે છે, તો અગરકરને 2027 વર્લ્ડ કપ સુધીનું એક્સ્ટેન્શન મળી શકે છે. જોકે, બોર્ડના બદલાતા વલણને જોતાં ભારતીય પસંદગી સમિતિમાં મોટો ફેરફાર થવાના સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.