CSK Noor Ahmad: એક તરફ સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને અનુકુલ રોયની સ્પિન ત્રિપુટી હતી. તો બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના અફઘાન સ્પિનર નૂર અહમદ હતા. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમની પીચ પર - જ્યાં બોલ થોડો રોકાઈને આવી રહ્યો હતો અને બેટ્સમેન તેમના શોટ રમવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કેકેઆરની સ્પિન ત્રિપુટી ફક્ત બે વિકેટ લઈ શકી, જ્યારે તે જ સપાટી પર, નૂરે તેની ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
નૂર અહમદ બન્ચા CSKના રિયલ હિરો
નૂરે કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણે (28), કેમેરોન ગ્રીન (00) અને રિંકુ સિંહ (06) ને આઉટ કરીને મેચ CSKના પક્ષે કરી દીધી હતી. ચેન્નાઈએ પહેલા બેટિંગ કરતા, કોલકાતા સામે 193 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, રહાણેની આગેવાની હેઠળની ટીમ ફક્ત 160 રન જ બનાવી શકી હતી. CSKએ સતત બીજી જીત નોંધાવી હતી. જ્યારે આ કોલકાતાની ચોથી હાર છે. તેની સાથે જ 2026 સીઝનમાં કોલકાતાની પહેલી જીત માટેની રાહ લંબાઈ ગઈ છે.
નૂરે કોલકાતા નાઈટરાઈડર્સને કર્યા 'બેનૂર'
લક્ષ્યનો પીછો કરવા ઉતરતી વખતે, કોલકાતાએ આ વખતે રણનીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. ફિન એલનની સાથે સુનિલ નારાયણ પાસે ઓપનિંગ કરાવી હતી. જોકે, આ દાવ ચાલ્યો નહી. ફિન અને નારાયણ ટીમને ઝડપી શરૂઆત આપી શક્યા નહીં અને પાવરપ્લેમાં જ આઉટ થઈ ગયા હતા. આ પછી રહાણે અને અંગકૃશ રઘુવંશી વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ અકીલ હોસેને 10મી ઓવરમાં રઘુવંશીને આઉટ કરીને KKRને તેમનો ત્રીજો ફટકો આપ્યો હતો.
આ પણ વાંચો
ત્યારબાદ, CSK કેપ્ટન રુતુરાજે નૂરને બોલ આપ્યો હતો. જેણે તેની પહેલી ઓવરના અંતિમ બે બોલ પર રહાણે અને ગ્રીન બંનેને આઉટ કરીને મેચની દિશા જ પલ્ટી નાખી હતી. પહેલા, તેણે રહાણેને વધારાના કવર પર ઉભેગા રુતુરાજના હાથે કેચ કરાવ્યો હતો. રહાણે IPLમાં નૂરનો 50મો શિકાર બન્યો હતો.
બીજી જ બોલ પર, નૂરે IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી ગ્રીનને બોલ્ડ કર્યો હતો. તેની બીજી ઓવરમાં નૂરે પ્રથમ ચાર બોલમાં રિંકુને કોઈ રન આપ્યો નહીં. જેથી વધતા દબાણને કારણે, રિંકુ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો હતો. આ સમયે મેચ KKRની પકડમાંથી સરકી ગઈ હતી.
સંજુ અને બ્રેવિસે ઇનિંગ્સને સંભાળી લીધી
આ દરમિયાન, ચેન્નાઈએ ધમાકેદાર શરૂઆત કરી હતી. સંજુ સેમસન અને યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ પાવરપ્લે દરમિયાન આક્રમક બેટિંગ કરી હતી. જેના કારણે ટીમ માત્ર છ ઓવરમાં જ 72 રન બનાવી શકી હતી. મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ પ્રક્રિયામાં સતત બે છગ્ગા ફટકાર્યા હતા અને શાનદાર 'નટરાજ શોટ' ચલાવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
વળી સેમસન તેના તરફથી 32 બોલમાં 48 રન બનાવીને ઇનિંગ્સને સંભાળી લીધી હતી. જોકે, પાવરપ્લે પછી મેચનો રંગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. નારાયણ, અનુકુલ અને વરુણ ચક્રવર્તીએ ભેગા મળીને ચેન્નાઈના રન રેટ પર બ્રેક લગાવી નાખી હતી. સ્પિનરોની ત્રિપુટીએ 10 ઓવરમાં માત્ર 68 રન જ આપ્યા હતા. પરિણામે, ચેન્નાઈની ટીમ પાવરપ્લે પછી 14 ઓવરમાં ફક્ત 120 રન જ ઉમેરી શકી હતી. મધ્યમ ક્રમમાં, ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં 41 રનની ઇનિંગ રમીને કેટલાક શાનદાર ફટકા લગાવીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન, સરફરાઝ ખાને 23 રનની પોતાની ઇનિંગ દરમિયાન ચતુરાઈભરી બેટિંગ કૌશલ્ય દર્શાવ્યું હતું. આ જોડીએ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. છતાં તેઓ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં અસમર્થ રહ્યા હતા. અંતિમ ઓવરોમાં, ઝડપી બોલર કાર્તિક ત્યાગીએ શાનદાર સ્પેલ આપ્યો હતો. 140 કિમી/કલાકથી વધુની ઝડપે બોલિંગ કરતા, તેણે બેટ્સમેનોને પરેશાન કર્યા અને ચાર ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી લીધી હતી.
ફરી શાંત પડ્યું કેપ્ટન રુતુરાજનું બેટ
CSK માટે, તેમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડની રન બનાવવામાં અસમર્થતા હવે ચિંતાનું કારણ બની ગઈ છે. ફરી એકવાર, રુતુરાજ બે આંકડાનો આંકડો પાર કરવામાં નિષ્ફળ ગયો હતો. આ સિઝનમાં અત્યાર સુધી, પાંચ મેચોમાં, તે ફક્ત બે વાર બે આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. તે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પણ સંઘર્ષ કરતો દેખાયો હતો. આખરે ફક્ત સાત રન બનાવ્યા પછી આઉટ થયો હતો.
IPL 2026 Purple Cap List
IPL 2026 માં અત્યાર સુધી બાવીસ મેચ રમાઈ ચૂકી છે, અને પર્પલ કેપની વાત કરીએ તો, તે હાલમાં ગુજરાત ટાઇટન્સના પ્રસિધ્ધ કૃષ્ણાના માથે સજી છે. પ્રસિદ્ધે 4 મેચ રમીને અત્યાર સુધી 10 વિકેટ લીધી છે. આ યાદીમાં બીજા ક્રમે CSKનો અંશુલ કંબોજ છે, જેણે 10 વિકેટ પણ લીધી છે. આ દરમિયાન ઈકોનોમિક રેટ 10.12 રહ્યો હતો. જ્યારે પ્રસિધ્ધ તેના શ્રેષ્ઠ ઇકોનોમી રેટને કારણે પ્રથમ સ્થાન પર છે. દરમિયાન, CSK ના નૂર અહમદે 4 મેચમાં 5 વિકેટ લીધી છે અને હાલમાં તે 29મા સ્થાને છે.
ઓરેન્જ કેપની વાત કરીએ તો, તે હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન પાસે છે, જેમણે 5 મેચમાં કુલ 224 રન બનાવ્યા છે. ઇશાન કિશન 213 રન બનાવીને ઓરેન્જ કેપ યાદીમાં બીજા સ્થાને છે. વૈભવ સૂર્યવંશી 200 રન સાથે ત્રીજા સ્થાને રહ્યો છે.
