Batata Poha Recipe in Gujarati: સવારના નાસ્તામાં લારી જેવા ચટપટા અને રૂ જેવા સોફ્ટ બટાકા પૌવા મળી જાય તો આખો દિવસ સુધરી જાય. પણ ઘરે બનાવતી વખતે પૌવા ઘણીવાર કડક કે ચીકણા થઈ જતા હોય છે. આજે આપણે એક એવી સિક્રેટ રીત જાણીશું જેનાથી તમારા પૌવા લાંબા સમય સુધી એકદમ નરમ, છૂટા અને સ્વાદિષ્ટ બનશે.ચાલો ,સરળ રેસીપી જાણીએ.
બટાકા પૌવા રેસીપી
બટાકા પૌવા બનાવવા માટે સામગ્રી
- પૌવા – 3 કપ
- તેલ – 2 થી 3 ટેબલસ્પૂન
- જીરું – ½ ટીસ્પૂન
- રાઈ – ½ ટીસ્પૂન
- લીલા મરચાં – 2 (બારીક સમારેલા)
- કઢીપત્તા – 10 થી 12 પાન
- સિંગદાણા – 2 ટેબલસ્પૂન
- બટાકા – 2 મધ્યમ કદના (નાના ચોરસ ટુકડામાં સમારેલા)
- ડુંગળી – 1 (બારીક સમારેલી)
- ખાંડ – 1 ટીસ્પૂન
- મીઠું – સ્વાદ મુજબ
- હળદર – ½ ટીસ્પૂન
- લીલું ધાણું – એક નાની મુઠ્ઠી
- લીંબુનો રસ – 1 ટીસ્પૂન
- પાણી – જરૂર મુજબ થોડું (છાંટવા માટે)
- લીલા ધાણા – એક નાની મુઠ્ઠી (બારીક સમારેલું, સજાવટ માટે
બટાકા પૌવા બનાવવાની રીત
- એક મોટા વાસણમાં જાડા અને થોડા જૂના પોહા લો. તેમાં પાણી ઉમેરી હળવા હાથે ધોઈ લો. ત્યારબાદ તરત જ પૌવાને ચાલણીમાં કાઢી 8થી10 મિનિટ માટે રહેવા દો, જેથી વધારાનું પાણી નિતરી જાય.
- હવે એક કડાઈમાં ઊંચી આંચ પર તેલ ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, રાઈ, લીલા મરચાં, કઢીપત્તા અને સિંગદાણા ઉમેરો. ધીમી આંચ પર થોડું સાંતળો.
- હવે સમારેલા બટાકા ઉમેરો અને મધ્યમથી ઊંચી આંચ પર અડધા ચડી જાય ત્યાં સુધી શેકો. ડુંગળી ઉમેરતા પહેલાં બટાકા અડધા ચડી જવા જોઈએ.
- ત્યારબાદ સમારેલી ડુંગળી અને ખાંડ ઉમેરો. સારી રીતે મિક્સ કરીને ડુંગળી આછા ગોલ્ડ રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- હવે ગેસ ધીમો કરો અને તેમાં મીઠું તથા હળદર ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
- ત્યારબાદ પલાળેલા પોહા, લીંબુનો રસ અને એક મુઠ્ઠી લીલું ધાણું ઉમેરો. પોહા તૂટે નહીં તે રીતે હળવા હાથે મિક્સ કરો.
- હવે ઉપરથી થોડું પાણી છાંટો, કડાઈને ઢાંકણથી ઢાંકી ગેસ બંધ કરી દો અને 3 થી 4 મિનિટ સુધી રહેવા દો. આ પ્રક્રિયાથી પૌવા નરમ, ભીના અને ફુલેલા બને છે.
- અંતે ઢાંકણ ખોલી ઉપરથી સમારેલું લીલા ધાણા છાંટી ગરમાગરમ બટાકા પૌવા પીરસો.
