Vadodara News: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રફ્તારના રાક્ષસોએ આતંક મચાવ્યો છે. બેદરકાર ડ્રાઇવિંગ અને ઝડપના ચસ્કાને કારણે એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં વડોદરા-પાદરા હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક થાર કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
માહિતી મુજબ, સમન્વય સ્ટેટ્સ નજીક આ અકસ્માત બન્યો હતો. રાત્રિના સમયે હાઇવે પર ઝડપથી દોડતી થાર કાર અચાનક સામે આવી રહેલા ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે થારનો આગળનો ભાગ પૂરી રીતે ચૂરચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવકાર્ય હાથ ધર્યું હતું.
થાર કારનો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને તરત જ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. અકસ્માતની જાણ થતા તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
અકસ્માત બાદ થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે વાહનો હટાવી માર્ગ ક્લિયર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત ઝડપ અને અચાનક લાઇટના ચમકારા કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે. વડોદરા-પાદરા હાઈવે પર વારંવાર થતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. લોકો હવે ટ્રાફિક વિભાગે ઝડપ નિયંત્રણ અને સલામતી માટે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠાવી છે.
