UpdatedIST

Surat News: સુરત શહેર-જિલ્લાની 46 પોસ્ટ ઓફિસોમાં આધાર સેવા કાર્યરત : સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી આધાર સેવાઓનો લાભ લઈ શકાશે

સરકારી સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચાડવા અને આધાર સુવિધાને વ્યાપક બનાવવા માટે સુરતની મુખ્ય હેડ પોસ્ટ ઓફિસોમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 09 Feb 2026 07:46 PM (IST)Updated: Mon 09 Feb 2026 07:46 PM (IST)
aadhaar-services-are-operational-in-46-post-offices-of-surat-city-district-689002

Surat News: સુરત ટપાલ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 46 પોસ્ટ ઓફિસોમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે. સરકારી સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચાડવા અને આધાર સુવિધાને વ્યાપક બનાવવા માટે સુરતની મુખ્ય હેડ પોસ્ટ ઓફિસોમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

સુરતની મહિધરપુરા અને નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આધાર સેવાઓ ચાલુ રહેશે. તેમજ અન્ય તમામ નિયત પોસ્ટ ઓફિસોમાં ઓફિસના કામકાજના સમય દરમિયાન આ સેવાઓનો લાભ મેળવી શકાશે. નોકરિયાત વર્ગ અને અન્ય નાગરિકોને અનુકૂળતાતા રહેશે.

સુરતના એ.કે. રોડ, અલથાણ, અમરોલી, અઠવાલાઇન્સ, ભેસ્તાન, બોમ્બે માર્કેટ, ગોપીપુરા, ડુમસ, સિવિલ હોસ્પિટલ, કતારગામ, ખટોદરા, લીંબાયત, મોટા વરાછા, મુગલીસરા, નવયુગ કોલેજ, પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, પુણા કુંભારીયા, રામનગર, રાંદેર, સગરામપુરા, સરથાણા, વરિયાવ, ટેક્સટાઇલ માર્કેટ, SVR કોલેજ, ONGC નગર, ઉધના, વરાછા રોડ અને સુરત રેલવે સ્ટેશન પર આધાર કાર્ડ સેવાઓનો લાભ લઈ શકાશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આદિત્યનગર, ભાઠા, હજીરા, કીમ, કોસંબા, ક્રીભકોનગર, મોર, મોરા, મોસાલી, મોટા મિયાં માંગરોળ, નંદનિકેતન, ઓલપાડ, સાયણ, ઉમરપાડા, ઝંખવાવ અને વાંકલની પોસ્ટ ઓફિસોમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

નવું આધાર કાર્ડ કઢાવવું તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષના વયજૂથ માટે નિઃશુલ્ક છે. તેમજ નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને બાયોમેટ્રિક સુધારા (ફોટો/ફિંગરપ્રિન્ટ) જેવી અપડેશન સેવાઓ UIDAI દ્વારા નિયત દરે થઇ શકે છે.

આધાર નોંધણી કે સુધારા માટે આવતી વખતે અસલ દસ્તાવેજો સાથે લાવવા અનિવાર્ય છે. ઈન્ડિયન પોસ્ટ નાગરિક કેન્દ્રિત સેવાઓ પૂરી પાડવા અને સરકારી આવશ્યક સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે નાગરિકો નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકશે.