જો તમે અમદાવાદ નજીક કુદરતી સૌંદર્યથી ભરપૂર કોઈ વન ડે પિકનિક સ્પોટ શોધી રહ્યા હોવ, તો સાબરકાંઠાના ભીલોડા તાલુકામાં આવેલું ભવનાથ મંદિર તમારા માટે શ્રેષ્ઠ સ્થાન છે. અહીંનો હરિયાળો નજારો, પહાડો અને પાણીથી ઘેરાયેલું મંદિર તમને કેરળ જેવી અનુભૂતિ કરાવશે.
ભીલોડાના મધ્યમાં આવેલું આ 1000 વર્ષ જૂનું ભવનાથ મંદિર ઇન્દ્રાશી ડેમના મધ્ય ભાગમાં આવેલું છે. કિનારેથી મંદિર સુધી પહોંચવા માટે એક પાક્કો રસ્તો બનાવવામાં આવ્યો છે, જેથી તમે કાર અથવા બાઈક લઈને સીધા મંદિર સુધી પહોંચી શકો છો.
ભીલોડામાં ઇન્દ્રાશી નદી પર બનેલો આ ડેમ હંમેશા પાણીથી ભરેલો રહે છે. ખાસ કરીને ચોમાસા બાદ, અહીંનું સૌંદર્ય શિખરે હોય છે. ડેમના મધ્યમાંથી જતા રસ્તાથી બંને બાજુ પાણી અને હરિયાળો નજારો જોઈને કોઈ ફિલ્મના દ્રશ્યમાં હોવાનો અનુભવ થાય છે.
ડેમની આસપાસ અરવલ્લી પર્વતમાળા છે, જે વરસાદ પછી લીલી ચાદર ઓઢી લે છે. અહીંનો ઠંડો પવન અને શાંત વાતાવરણ પિકનિક માટે એકદમ યોગ્ય છે.
ભવનાથ મંદિર તરફ જતા માર્ગમાં તમને કેટલીક પ્રાચીન છત્રીઓ પણ જોવા મળે છે. ચોમાસા દરમિયાન આ છત્રીઓ મોટાભાગે પાણીમાં ડૂબેલી હોય છે, જે દ્રશ્યને વધુ મનમોહક બનાવે છે.
અમદાવાદથી ભીલોડાનું ભવનાથ મંદિર 126 કિમી દૂર છે. અમદાવાદથી હિંમતનગર થઇ બે થી અઢી કલાકમાં ભવનાથ મંદિર પહોંચી શકાય છે.
ચોમાસા બાદથી શિયાળાની સિઝન દરમિયાન (ઑગસ્ટથી ફેબ્રુઆરી) અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય છે.
અહીંનું શાંત વાતાવરણ, સુંદર નજારો અને ધીમો પવન તમારા પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે એક દિવસ પસાર કરવા માટે ઉત્તમ સ્થાન બને છે.
પયૅટનની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.