સાવરકુંડલામાં દિવાળીના 'કોકડા' બનાવતી વખતે દુર્ઘટના; દેશી હર્બલ ફટાકડાનો દારૂગોળો બનાવતી વખતે દાઝેલા સગીરનું મોત

દારૂગોળો દળવા કે તૈયાર કરવા માટે વપરાતી ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ અચાનક ફેલાઈ જવાથી કિશન મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Jul 2026 04:43 PM (IST)Updated: Tue, 28 Jul 2026 04:43 PM (IST)
amreli-news-minor-dies-after-firecracker-powder-accident-in-savarkundla

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દેશી હર્બલ ફટાકડાના 'કોકડા' બનાવતી વેળાએ એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. હર્બલ ફટાકડાનો દારૂગોળો તૈયાર કરી રહેલો 17 વર્ષીય સગીર આગની ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલામાં કિશન બાબુભાઈ મકવાણા નામનો 17 વર્ષીય સગીર દેશી હર્બલ ફટાકડાના કોકડા બનાવવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન દારૂગોળો દળવા કે તૈયાર કરવા માટે વપરાતી ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ અચાનક ફેલાઈ જવાથી કિશન મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો.

બનાવ બનતાની સાથે જ સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની તબિયત વધુ નાજુક બનતા અંતે ગંભીર ઈજાઓના કારણે 17 વર્ષીય કિશન બાબુભાઈ મકવાણાનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છેકે, સાવરકુંડલામાં વર્ષો જૂની પરંપરા મુજબ દિવાળીના દિવસે 'ઇંગોરિયા યુદ્ધ' ખેલાય છે. આ રમતમાં જે દેશી ફટાકડા વપરાય છે તેને સ્થાનિક ભાષામાં 'કોકડા' કહેવામાં આવે છે. આ કોકડા બનાવવાની પ્રક્રિયામાં દારૂગોળો ભરવામાં આવે છે. દિવાળી નજીક હોવાથી શહેરના અનેક ઘરોમાં આ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે.