Anand News: ભારે વરસાદના કારણે તારાપુર અને ખંભાતના 10 માર્ગો પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ કરાયા

10 રસ્તાઓ ઉપર વરસાદી પાણીના ઓવર ટોપિંગના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોની અવરજવર જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તરફના રસ્તા, મિલરામપુરા-દુગારી રોડ તથા રોહિણી-ખાખસર રોડ જેવા વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Jul 2026 05:48 PM (IST)Updated: Sun, 26 Jul 2026 05:48 PM (IST)
anand-rain-update-10-roads-closed-in-tarapur-and-khambhat-after-heavy-rain

Anand News: આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના ભારે પ્રવાહના કારણે તારાપુર અને ખંભાત તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ પંચાયત વિભાગ હસ્તકના વિવિધ 10 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળવાની (ઓવર ટોપિંગ) પરિસ્થિતિ સર્જાઈ છે. નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષા તથા સલામતીને પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત તમામ રસ્તાઓ પર વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી સ્થગિત (બંધ) કરવામાં આવ્યો છે.

ઓવર ટોપિંગ થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના તારાપુર તાલુકાના મુખ્ય 3 માર્ગો તારાપુર-મોરજ-જીચકા રોડ, ખાખસર ક્રોસિંગ થી કાનાવાડા રોડ તેમજ જીણજ-પાદરા રોડ પર ઓવર ટોપિંગ થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તાઓ બંધ થવાથી જીચકા, મોટા ચીખલિયા, ચાંગડા કનેવાલ અને જીણજ પાદરા કનેવાલ જેવા ગામોના વાહનવ્યવહારને અસર પહોંચી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં આવતાં આ રસ્તાઓ 27થી 28 જુલાઈ 2026 સુધીમાં પુનઃ કાર્યરત થવાની શક્યતા છે.

naidunia_image

7 જેટલા ગ્રામીણ રસ્તાઓ ઉપર પાણીના કારણે બંધ કરાયા

પંચાયત (મા.મ.) વિભાગ હસ્તકના તારાપુર અને ખંભાત તાલુકાના કુલ 7 જેટલા ગ્રામીણ રસ્તાઓ ઉપર પાણીના કારણે બંધ કરાયા છે. જેમાં તારાપુર-રાજવાપુરા રોડ, મિલરામપુરા-ખડા રોડ, મિલરામપુરા-મોટા કલોદરા રોડ, મિલરામપુરા-કાનાવાડા રોડ, ખંભાત-ધુવારણ સ્ટેટ હાઈવે થી કલમસર પાટો રોડ અને ગુડેલ-ખાખસર રોડનો સમાવેશ થાય છે. નાગરિકોની અવરજવર જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તરફના રસ્તા, મિલરામપુરા-દુગારી રોડ તથા રોહિણી-ખાખસર રોડ જેવા વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.

 

માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ચેતવણી દર્શાવતા સાઇન બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે તેમજ સ્થાનિક સરપંચો અને ગ્રામજનોને સતર્ક કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો અને ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે જ્યાં સુધી પાણીનું સ્તર ઘટે નહીં ત્યાં સુધી બંધ રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું, તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો અને સુરક્ષા સંબંધિત સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

આણંદ જિલ્લામાં માર્ગોની યુદ્ધના ધોરણે મરામત

આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં થયેલ ભારે વરસાદ બાદ કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રી એ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રીપેરીંગ કરી વાહન વ્યવહાર પુનઃ ઝડપથી પૂર્વવત કરવા તેમજ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન (સ્ટેટ) તથા પંચાયત વિભાગ દ્વારા વ્યાપક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

naidunia_image

8 વિશેષ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં કામગીરી પૂરજોશમાં

આણંદ જિલ્લાના સ્ટેટ અને પંચાયત હસ્તકના વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના દુરસ્તી કરણ માટે પંચાયત વિભાગની સંયુક્ત રીતે કુલ 8 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરાવા, ધોવાણ સરખું કરવું અને રસ્તાઓ સલામત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ આ કામગીરી તારાપુર, ખંભાત, બોરસદ, પેટલાદ, સોજિત્રા, આંકલાવ, આણંદ અને ઉમરેઠ તાલુકાના ગામો ખાતે ઝડપથી ચાલી રહી છે. ભારે વરસાદના કારણે માર્ગોની સાઇડમાં પડેલા રેઇન કટ નું પુરાણ, રસ્તા પર પડેલા ખાડાઓનું પેચવર્ક, ડ્રેનેજ ક્રોસિંગ રિપેરિંગ તેમજ વરસાદના કારણે રસ્તાઓ પર નમી પડેલા વૃક્ષો કે ડાળીઓ હટાવવાની કામગીરી પૂર્ણ ઝડપથી પ્રગતિ હેઠળ છે. તંત્ર દ્વારા અત્યાધુનિક મશીનરી અને પૂરતા માનવબળનો ઉપયોગ કરીને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રસ્તાઓ તાત્કાલિક સાફ અને સુગમ બનાવવામાં આવી રહ્યા છે.

naidunia_image

બંધ કે અસરગ્રસ્ત રસ્તાઓ ટૂંક સમયમાં કાર્યરત કરાશે

માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા અને ઝડપ પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. બંધ કે અસરગ્રસ્ત રસ્તાઓને શક્ય તેટલા ટૂંક સમયમાં સલામત રીતે ખુલ્લા મૂકવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ રાત-દિવસ કાર્યરત છે.

માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયતના કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવીના જણાવ્યા મુજબ પોરડા થી અથુલ રોડ ઉપર તળાવ પાસે રેઇન કટ પડતાં તાત્કાલિક ધોરણે મરામત કરાવી ટ્રાફિક ખુલ્લો મુકવામાં આવ્યો છે. મહેળાવ શ્રીજીપુરા રોડ ઉપર નવા બનાવેલ બોક્સ કલ્વર્ટની બાજુમાં રેઇન કટ પડતાં તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવ્યો છે અને આણંદના ત્રિભુવનદસ ફાઉંડેશન રોડ પર રેઇન કટ રિપેરિંગની કામગીરી, જલંધ ઉંદેલ રોડ, કાસોર રાહ તલાવ રોડ, તારાપુર ખંભાત રોડ ઉપર બેરીકેટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમ, આણંદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા ગ્રામ્ય અને સ્ટેટના જે રસ્તાઓ ખરાબ થયા છે તેને પૂર્વ વત અને મોટરેબલ કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ ની 8 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.