વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'નું આયોજન

સ્પર્ધાનું આયોજન 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે. સ્પર્ધકોને 'અનંત, અનાદિ વડનગર' વિષય પર 1થી 3 મિનિટની મૌલિક (Original) રીલ તૈયાર કરીને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 02 Aug 2026 04:18 PM (IST)Updated: Sun, 02 Aug 2026 04:18 PM (IST)
mehsana-news-shravanotsav-2026-reel-competition-announced-in-vadnagar

Mehsana News: ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા શ્રાવણોત્સવ-2026ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ખાસ કરીને યુવાનો સહિત તમામ નાગરિકોને વડનગરના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક મહત્ત્વ, પ્રવાસન ક્ષમતા, લોકકલાઓ અને શ્રાવણોત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા રજૂ કરવા પ્રોત્સાહિત કરશે.

સ્પર્ધાનું આયોજન 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે. સ્પર્ધકોને 'અનંત, અનાદિ વડનગર' વિષય પર 1થી 3 મિનિટની મૌલિક (Original) રીલ તૈયાર કરીને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં અને ઓછામાં ઓછા 720p રિઝોલ્યુશનમાં હોવી જરૂરી રહેશે.

સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. જો વિડિયોમાં અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સબટાઇટલ્સ ફરજિયાત રહેશે. સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવતી રીલ સંપૂર્ણપણે સ્વયં શૂટ કરેલી અને ઓરિજિનલ હોવી જરૂરી છે. સ્ટોક ફૂટેજ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલી સામગ્રી અથવા કૉપિરાઇટ ધરાવતી સામગ્રી સ્વીકારવામાં આવશે નહીં.

સ્પર્ધામાં ભાગ લેવા માટે માત્ર MyGov ગુજરાત પોર્ટલ મારફતે નોંધણી અને એન્ટ્રી સબમિટ કરી શકાશે. દરેક સ્પર્ધક માત્ર એક જ એન્ટ્રી મોકલી શકશે. અંતિમ તારીખ બાદ પ્રાપ્ત થયેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. મૂલ્યાંકન માટે નિયુક્ત સમિતિનો નિર્ણય અંતિમ અને તમામ સ્પર્ધકો માટે બંધનકારક રહેશે.સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. 31,000, દ્વિતીય વિજેતાને રૂ. 21,000 અને તૃતીય વિજેતાને રૂ. 11,000નું ઇનામ એનાયત કરવામાં આવશે.

ગુજરાત સરકારનો ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ 2026 પ્રત્યે જનભાગીદારી વધારવાનો છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનમાં સહભાગી બનાવી શ્રાવણોત્સવને ડિજિટલ યુગના લોકોત્સવ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ આ સ્પર્ધા દ્વારા કરવામાં આવ્યો છે.