મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે મંત્રીના ભાઈના સ્ટોન ક્રશર પર ખાણ-ખનીજ અને વીજ કંપનીના દરોડા

ટીંબડી ગામના બસ સ્ટેન્ડની સામે આવેલા આ સ્ટોન ક્રશર (ભરડીયા) ખાતે રવિવારે ખાણ ખનીજ વિભાગ અને વીજ કંપનીની સંયુક્ત ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 13 Jul 2026 04:13 PM (IST)Updated: Mon, 13 Jul 2026 04:13 PM (IST)
raid-on-ministers-brothers-stone-crusher-amid-farmers-protest-in-morbi

Morbi News: મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલા ‘ડેલ્ટા સ્ટોન’ ક્રશર પર રવિવારે વહીવટી તંત્રની ટીમો ત્રાટકતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. રજાના દિવસે થયેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ટીંબડી ગામના બસ સ્ટેન્ડની સામે આવેલા આ સ્ટોન ક્રશર (ભરડીયા) ખાતે રવિવારે ખાણ ખનીજ વિભાગ અને વીજ કંપનીની સંયુક્ત ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સ્ટોક વેરિફિકેશન સહિતની તપાસ શરૂ કરી હતી. સામાન્ય રીતે રવિવારે સરકારી કામગીરી ટાળવામાં આવતી હોય છે, પરંતુ રજાના દિવસે જ આ દરોડા પડતા સમગ્ર પંથકમાં આશ્ચર્ય ફેલાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ‘ડેલ્ટા સ્ટોન’ ક્રશરના ભાગીદાર રાકેશ અમૃતિયા છે, જેઓ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ થાય છે. રાકેશ અમૃતિયા હાલમાં ચર્ચામાં રહેલા જેતપર ગામના ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા અને તેમણે 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા.

ગત તારીખ 9ના રોજ જેતપર ખાતે ખેડૂત આંદોલનની આભારવિધિ સભા યોજાઈ હતી. આ સભામાં રાકેશ અમૃતિયાએ ઉગ્ર ભાષણ આપતા રાજ્યના મંત્રીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમને ‘108’માં નાખવાની તેમજ ઝભ્ભા ફાડી નાખવાની ચીમકી આપી હતી. આ ઉપરાંત, પૂર્વ કલેક્ટર વિશે પણ અશોભનીય શબ્દો વાપરીને તેમને ખેતરના વીજપોલ સાથે બાંધી દેવાની ધમકી ઉચ્ચારી હતી.આ વિવાદાસ્પદ નિવેદનની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ માત્ર ૩ દિવસમાં તંત્રની આ તપાસને કારણે અનેક પ્રકારના રાજકીય અર્થઘટન કરવામાં આવી રહ્યા છે. આ દરોડા બદલાની ભાવનાથી થયા છે કે નિયમિત તપાસનો ભાગ છે, તે અંગે હાલમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.