Rajkot News: રાજકોટમાં બે વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંત આવ્યો છે. હત્યાના પ્રયાસના જૂના કેસમાં સમાધાન ન કરવાનું મનદુઃખ રાખી 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા માર્ગ પર થયેલા આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામસિંહનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જૂની અદાવત ઉપરાંત પારિવારિક વિવાદની પણ કડી સામે આવી છે.ત્યારે આ સમગ્ર ઘટનામાં સામે આવ્યું છે કે કૌટુંબિક ભાઈએ જ પોતાના ભાભી સાથે અનૈતિક સબંધની શંકાના આધારે ઘનશ્યામસિંહ પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી..
કારમાંથી નીચે ઉતરતા જ હુમલાખોર તૂટી પડ્યો
આ ઘટના શનિવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ઘનશ્યામસિંહ ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે પોતાની કારમાં મિત્રો સાથે બેઠા હતા. તે સમયે કાળા કપડાં પહેરેલો એક અજાણ્યો શખ્સ કાર પાસે આવ્યો અને ઘનશ્યામસિંહને બહાર બોલાવ્યા હતા. તેઓ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં છાતી, હાથ, ખભા અને પડખાના ભાગે 6 થી 7 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ હુમલા દરમિયાન તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.
હત્યા પાછળ જૂની અદાવત અને પારિવારિક વિવાદ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ 2 વર્ષ જૂની અદાવત જવાબદાર છે. ફરિયાદ મુજબ, 2 વર્ષ પહેલાં ધોરાજીના ભાડેર ગામે નવરાત્રિ દરમિયાન ઝઘડો થયો હતો અને તેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં સમાધાન કરવા માટે આરોપી પક્ષ તરફથી દબાણ કરવામાં આવતું હતું,. આ ઉપરાંત, પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીને તેના ભાભી સાથે મૃતકના અનૈતિક સંબંધો હોવાની શંકા હતી, જેના કારણે બંને પરિવારો વચ્ચે અગાઉ પણ સંઘર્ષ થયો હતો,. આરોપી ધર્મેન્દ્રસિંહને એવી આશંકા હતી કે ઘનશ્યામસિંહ તેના પરિવારને નુકસાન પહોંચાડી શકે છે, અને આ ડરને કારણે તેણે પોતાનું ઘર પણ બદલી નાખ્યું હતું.
ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી
સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરી લીધી છે. હુમલા સમયે તેની સાથે રહેલા આશરે 30 વર્ષના અન્ય એક શખ્સની શોધખોળ હાલ શરૂ છે. પોલીસે હવે આ મામલે બીએનએસ (BNS) ની કલમ 103(1) હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતક ઘનશ્યામસિંહ ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
